૧૧ વર્ષ બાદ ભારતની નજર વિરાટ વન-ડે વિજય ઉપર

  • Latest News,Images,Videos & Music going Viral now - Viralcast.io

। સિડની ।

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક વિજય મેળવનાર ભારતીય ટીમ હવે વન-ડે શ્રેણી જીતવા માટે પણ સજ્જ થઈ ગઈ છે. શનિવારથી શરૂ થઈ રહેલી આ સિરીઝમાં વિજય માટે ભારતીય ટીમને પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહી છે. ૧૧ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે વન-ડે સિરીઝમાં પણ પરાજય આપવાની ઉત્તમ તક છે. ત્રણ વન-ડેની સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી જેવું જ ફોર્મ જાળવી રાખવા માટે મક્કમ છે. સિરીઝની પહેલી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સુકાની વિરાટ કોહલી ટેસ્ટ વિજયને યથાવત્ રાખવાના ઉત્સાહમાં છે અને તેઓ વન-ડેમાં પણ કોઈ રિસ્ક લેવા માગતા નથી. ભારતે આવા અતિઉત્સાહથી પણ બચવું જોઈશે કારણ કે ઓસ્ટ્રેલિયા સરળતાથી હાર માની લે તેવી ટીમ નથી. ટેસ્ટ સિરીઝની જેમ વન-ડેમાં પણ ટીમના સંયુક્ત સાહસ દ્વારા જ વિજય મેળવી શકાય તેમ છે. ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન અને બોલર્સનું સંયુક્ત પ્રદર્શન મહત્ત્વનું રહ્યું હતંજ અને હવે વન-ડેમાં પણ આવી રીતે જ રમવું પડશે. આ વખતે ઝડપી બોલિંગની જવાબદારી મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ અને હાર્દિક પંડયા ઉપર રહેવાની હતી. મહિલા સામેની ટિપ્પણીને કારણે હાર્દિક પંડયા અને લોકેશ રાહુલ સસ્પેન્ડ થયા છે. ભારતને તેમની ખોટ સાલશે પણ સુકાની કોહલીએ જણાવ્યું હતું કે, તેમની ગેરહાજરીમાં ટીમ વિજય મેળવવા સક્ષમ છે.

ભારત પાસે મજબૂત બેટિંગ લાઇનઅપ

ભારત પાસે બેટિંગની મજબૂત લાઇનઅપ છે. રનમશીન અને ભારતીય સુકાની કોહલી આ ફોર્મેટમાં વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતો છે. બીજી તરફ રોહિત શર્માના ખભે પણ મોટી જવાબદારી રહેશે. અંબાતી રાયડુએ છેલ્લાં કેટલાક સમયથી સારું પ્રદર્શન કરીને ભારતના ચોથા નંબરની સમસ્યાનો અંત આણી દીધો છે. રાયડુ મિડલ ઓર્ડરને મજબૂત બનાવી શકે તેમ છે. નીચલા ક્રમમાં ધોની, કુલદીપ, કેદાર જાદવ અને રવીન્દ્ર જાડેજા ટીમને સંભાળી લે તેવા ખેલાડીઓ છે.

ફિન્ચ મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે

ભારત સામેની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાન વન-ડે ટીમનું સુકાન એરો ફિન્ચ પાસે છે. ટેસ્ટમાં ભલે એરોન ફિન્ચ યોગ્ય પ્રદર્શન ન કરી શક્યો પણ વન-ડેમાં તેની બેટિંગને કાબૂ કરવી મુશ્કેલ છે. ભારત માટે આ ખેલાડી જ સૌથી વધુ મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. ફિન્ચ ઉપરાંત ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ, એલેક્સ કારે ઉપર પણ યજમાન ટીમનો આધાર રહેશે. ભારતની મજબૂત બોલિંગ પણ આ ખેલાડીઓ માટે સમસ્યા ઊભી કરવા સક્ષમ છે. માર્કસ સ્ટોઇનિસ અને બિલિ સ્ટેનલેક એવા ખેલાડીઓ છે જે ગમે ત્યારે બાજી પલટી શકે છે. ભારતે તેમને પણ ગંભીરતાથી જ લેવા જોઈએ.

મિચેલ સ્ટાર્ક, હેઝલવૂડ અને કમિન્સને આરામ અપાયો

ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સને આરામ અપાયો છે. પીટર સિડલ ઘણા સમય પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે. દિગ્ગજ બોલર્સની ગેરહાજરીમાં સિડલ પાસે ઉત્તમ તક છે. તે સારા પ્રદર્શન દ્વારા ઓસી.ની વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શકે છે. તે ઉપરાંત મિચેલ માર્શ, સ્ટેનલેક, બેહેનડોર્ફે પણ ભારતીય બેટિંગ લાઇનઅપને રોકવા મહેનત કરવી પડશે. નાથન લ્યોન અને એડમ જમ્પા બે સ્પિનર છે.

સંન્યાસ લઈશ પછી હાથમાં બેટ નહીં પકડું : કોહલી

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝની પૂર્વ સંધ્યાએ કોહલીએ જણાવ્યું હતું કે, ઘણા ખેલાડીઓ સંન્યાસ બાદ દેશ-વિદેશોની ટીમમાં જઈને લીગ મેચ અને ટી-૨૦ સિરીઝ રમતા હોય છે. હું જે દિવસે સંન્યાસ જાહેર કરીશ પછી ક્યારેય હાથમાં બેટ નહીં પકડું. છેલ્લાં પાંચ વર્ષમાં હું ખૂબ જ ક્રિકેટ રમ્યો છું, આગળ પણ રમતો રહીશ. મને નથી ખબર કે હું સંન્યાસ પછી તરત જ હું શું કરીશ, પણ એક વાત નક્કી છે કે હું ક્યારેય બેટ ફરી નહીં પકડું. જે દિવસે મારા શરીરની તમામ ઊર્જા ખાલી થઈ જશે તે દિવસથી રમવાનું છોડી દઈશ.

જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે

જસપ્રીત બુમરાહને ટીમ મેનેજમેન્ટ દ્વારા વન-ડે સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા ખેલાડી મોહમ્મદ સિરાજને ઓસ્ટ્રલિયા મોકલવામાં આવ્યો છે. બુમરાહે ટેસ્ટ સિરીઝમાં સફળતાપૂર્વક બોલિંગ કરીને ભારતના વિજયમાં મહત્ત્વનું યોગદન આપ્યું હતું. વન-ડેમાં તેની ગેરહાજરી સાલસે. ભુવી અને શમીએ આ જવાબદારી ઉપાડવી પડશે અને ઓસ્ટ્રેલિયાના વિકેટ ઝડપથી કેવી રીતે પાડવી તેના ઉપર ધ્યાન રાખવું પડશે. ટેસ્ટમાં બુમરાહ બાદ શમીએ જ વધારે વિકેટ લીધી હતી. તેથી તે આ જવાબદારી ઉપાડી શકે તેમ છે. ઝડપી બોલર્સ ઉપરાંત ભારતીય સ્પિનર કુલદીપ અને ચહલ પણ ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે.